Walking on the path of duty intuitively without the burden of duty
ઝરણું વહેવા માટે ને, પુ ષ્પ મહેકવા માટે સર્જાયા છે. પંખીઓ કલરવ-ઉડવા ને, પહાડો પોતાની અડગતા માટે સર્જાયા છે. આકાશ છત્રછાયા ને, ધરતી આશરો આપવા માટે સર્જાયા છે. કોઈને પોતાના કર્તાપણાનો બોજ નથી, માત્ર મનુષ્યને જ કર્તાપણાની ફરિયાદ છે. સૃષ્ટિના તમામ જીવો અને પ્રકૃતિને પોત-પોતાનો સાહજિક ગુણ હોય છે. આ ગુણ જ તેની ઓળખાણ છે. ઝરણું ક્યારેય બંધિયાર કે સ્થિર ના રહી શકે. સતત વહેતા રહેવું એ ઝરણાની પ્રકૃતિ છે. પુષ્પ પગ નીચે કચડાઈ જાય છતાં, પોતાની સુગંધ પ્રસરાવે છે. પુષ્પ પોતાની સુગંધના બદલામાં કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખતું.પંખીઓ પિંજરામાં પુરાવા નહીં પણ, આકાશમાં મુક્તપણે ઉડવા માટે સર્જાયા છે. મધુર કલરવ કરવા માટે તેને કોઈ પણ જાતનું વળતર નથી મળતું. ધરતીના મુગટ સમાન પર્વતોની સ્થિરતા અને અડગતા એ તેમની ઓળખાણ છે. વાતાવરણની અસ્થિરતા વચ્ચે પણ અડગ રહેવા માટે તે કોઈ પણ પ્રકારની પ્રશંસાની અપેક્ષા નથી રાખતા. વિશાળ અસીમ આકાશને વિશાળતા અને જીવ સૃષ્ટિને છત્રછાયા આપવાનો સાહજિક ગુણ મળ્યો છે. છત્રછાયા આપવા માટે તે કોઈ પણ જાતની કિંમત નથી વસુલતું. અખંડ આશરો આપતી ધરતી કોઈ પણ જાતનું ભાડુ નથી વસુલતી. હા, જયારે પ...