Don't be a complainer, be a witness of life
મળ્યું તેને માણ્યું કદી ના, રહી ફરિયાદો જે મળ્યું ના, શોધાય છે દશેય દિશામાંથી ભૂલો, પણ, એક દિશા રહે છે કોરીકટ. છે આ જ માનવ સ્વભાવ, જે છે તે ના જોવું ને, જે નથી તેને ઝંખવું. જીવનમાં જે મળ્યું છે તેને જો માણતા આવડે તો જીવન જીવવા જેવું લાગે, બાકી આજ-કાલ લોકો સતત નિરાશ અને ઉદાસ બની ફરિયાદો કરતા જ જોવા મળે છે. કેમકે, તે લોકો બીજા પાસે શું છે, તે જોવામાં જ એટલા વ્યસ્ત હોય છે. જે તેની પાસે છે તેને માણ્યા વગર, શું નથી તેની સતત ફરિયાદો કર્યા કરે છે. તેમને પોતાની જાત સિવાય જગત આખાથી પરેશાની હોય છે. હકીકતમાં તે માણસ અંદરથી જ નાખુશ હોય છે. જે પોતે જ પોતાનાથી પ્રસન્ન નથી, સ્વાભાવિક છે તેને દરેક પરિસ્થિતિથી ફરિયાદ રહેવાની જ છે. આખો દિવસ કોઈને પણ મળ્યા વગર જો પોતાની જાત સાથે જ વિતાવાનો થાય, તો તેઓ બેચેન બની જાય છે. જેઓ પોતાની જાતને જ સહી નથી શકતા, તેમને બહારથી કોઈ પરિસ્થિતિ પ્રસન્નતા નથી આપી શકતી. જેઓ પોતાની જાતને એકાંતમાં પણ માણી શકતા હોય, વિસ્તરી શકતા હોય, પોતાની જાતને જાણીને માણતા અને ઉજવતા હોય, તે દુઃખની સ્થિતિમાં પણ જાતને સંભાળી લેતા હોય છે. જે પોતાની ભૂલોને સ્વીકારી શકે છે, સુધ...