આપણી ભાષા આપણી ઓળખ છે.
પ્રભાવિત થાય છે પરભાષાથી ને,
નાનપ અનુભવે છે ગર્ભનાળની જ ભાષાથી.
શીખો દુનિયાની દરેક ભાષા ને બોલી પણ,
વિષયનું મુળ જ્ઞાન મેળવો લોહીમાં વહેતી ભાષાથી.
આપો સન્માન સઘળી ભાષાને પણ,
ગર્વથી બોલો ગરવી ગુજરાતીને.
હું ગુજરાતી છું, એટલે મને ગુજરાતીપણા પર નાનપ નહીં, પણ ગર્વ છે. બીજી ભાષાઓ અને ખાસ કરીને જેને સન્માન આપીએ અને ઉચ્ચ ગણાતી ભાષા એટલે અંગ્રેજી પ્રત્યે માન છે, પણ, તેને જ સર્વસ્વ માની લેવું અને આપણું મૂળ છે તેને અવગણવું તે ખોટુ છે.
અત્યારે ઘણા સમયથી એક જ સિસ્ટમને આપણે ફોલો કરી રહ્યા છીએ. બાળકોને નાનપણથી આપણા મૂળ એટલે સંસ્કારો, પરંપરા અને આપણી ભાષાથી દૂર કરી રહ્યા છીએ. તેવું કરવામાં આપણે ઉચ્ચ કક્ષાની ભાવના અનુભવીએ છીએ. ઘણા માતા-પિતાને આવડતું ના હોય, પણ, પોતાના સંતાનના સુરક્ષિત ભવિષ્ય માટે ક્ષમતા બહારનો ખર્ચો કરી અથવા દેખાદેખી કરીને બાળકને એક રેસનો ઘોડો બનાવી દે છે. તેમાં સૌથી વધારે બાળકનું જ નુકશાન છે.
જે બાળકના ઘરનું વાતાવરણ બીજું હોય અને તે ભણતું બીજી ભાષામાં હોય તેને આપણે જાણ બહાર બે ઘોડા પર સવારી કરાવતા હોઈએ છીએ. તે કાં તો પડે છે, કાં તો પોતાનું જ નુકશાન કરે છે. જે માતા-પિતા પોતાના બાળકને પોતાની ભાષા અને અંગ્રેજી ભાષામાં સમજાવી શકતા હોય, તેમને વધારે સમસ્યા નથી રહેતી, બાળક બંને ભાષા શીખી શકે છે. પણ, જે માતા-પિતાને બાળકને પાસે બેસાડીને ભણાવવાનો, સમજવાનો સમય નથી, તેમને ફક્ત ટ્યુશનના ભરોસે બાળકને બલીનો બકરો કદાપિ ના બનાવું જોઈએ. બાળક પોતાની અંદર જે છે, તે બહાર કાઢી જ શકશે, માટે ભાષાને કારણે તે પાછળ રહી જશે, એવો ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ.
જે માતા-પિતા બાળકને સમજાવી શકે, તેમને પણ, પોતાના બાળકોને પોતાની ભાષાથી વંચિત ના રાખવા જોઈએ. કેમકે, જે મૂળથી જોડાયેલા રહે, તે જ વિસ્તરી શકે છે. ઉદાહરણ તરીકે, આપણી ભાષા ગુજરાતી છે અને આપણા બાળકને વિષયની મૂળ વસ્તુ ગુજરાતીમાં સમજાવીએ અને પછી અંગ્રેજીમાં, તો તે વ્યવસ્થિત રીતે સમજી અને વિચારી શકે છે. કેમકે, માણસને વિચારો પોતાની ઘરની મૂળ ભાષામાં જ આવતા હોય છે.
આપણી આસપાસનું વાતાવરણ જ એવું છે, કે, ઈચ્છવા છતાં, આપણે સિસ્ટમ મુજબ જ ચાલવું પડે છે. પણ, એક વાત યાદ રાખવી કે, સિસ્ટમ પણ આપણાથી જ બને છે.
અંગ્રેજીમાં આપણે c ને ચ અને ક બંને વાંચીએ, g ને ગ અને જ બંને વાંચીએ. કયો અક્ષર ક્યારે વાંચવો, તેમાં અપવાદ સાથેના નિયમો હોય, સ્પેલિંગના કેટલાયે અનિયમિત રૂપ હોય, સ્પેલિંગમાં ઉચ્ચાર કરતી વખતે કેટલાય અક્ષરોને સાઇલેન્ટ રાખવાના હોય, એટલે કે, એનો ઉચ્ચાર ના કરવાનો હોય, તેના પણ અલગ નિયમો. હવે, છોકરું વાંચતા શીખે કે આ બધા નિયમો યાદ રાખે. ઉપર જતા ઘરની ભાષા બીજી હોય, ભણવાની ભાષા બીજી હોય. આપણે જાણીજોઈને કે અજાણતાપણે કેટલો બોજો નાખીએ છીએ એ કુમળા મન પર.
જયારે ગુજરાતીમાં ક ને ક જ વાંચવાનો હોય, કાનામાત્ર અને બારાક્ષરી આવડી જાય એટલે વાંચતા આવડી જાય. કેમકે, જે શબ્દ છે, તેને તે પ્રમાણે જ વાંચવાનો છે. યાદ કે ગોખવાનું કશું જ નથી. બાળક સૂચના જાતે વાંચીને જે કરવાનું છે, તે જાતે કરી શકે છે.
જયારે બાળકના શિક્ષણની હજુ તો શરૂઆત થઈ હોય ને આપણે એને નિયમો સહિત સાઉન્ડ અને ઉચ્ચાર કરાવીએ, સ્પેલિંગ યાદ રખાવીને ગોખણપટ્ટી કરાવીએ, તો એ વાંચતા કઈ રીતે શીખે? અને એ વાંચી જ ના શકે, તો શું કરવાનું છે એ સૂચના સમજી ના શકે. મૂળ વાત તેને આવડે છે, પણ શું કહ્યું સમજી ના શકવાના અભાવે તે કરી શકતું નથી. જેમકે, સૂર્યમુખી પીળા રંગનું હોય, વેક્યુમ ક્લીનરનું કામ સફાઈ કરવાનું હોય, તેનો બાળકને ખ્યાલ છે, પણ એ પ્રમાણે તે વાંચી તો શકવો જોઈએ ને?
અંગ્રેજી જરૂરી છે, પણ, આગળ જઈને ક્યાં તે નથી શીખી શકાતું. જર્મની જઈએ તો, જર્મન શીખવી પડે, નેધરલેન્ડ જાઓ તો ડચ શીખવી પડે, ચાઇના જઈએ તો ચીની શીખવી પડે, ફ્રાન્સ જઈએ તો ફ્રેન્ચ શીખવી પડે. ત્યાંના નાગરિકોને અંગ્રેજી નથી આવડતું. આપણે આપણા બાળકોને આપણી રાષ્ટ્રીય કે માતૃભાષામાં જ્ઞાન અપાવવામાં શરમ અનુભવીએ છીએ. એક સિસ્ટમનો ભાગ બનવું પડે છે. હવે તો ટેક્નોલોજીના સમયમાં ટ્રાન્સલેટર એપ્લિકેશનનો ઉપયોગ કરીને સરળતા લાવી શકીએ છીએ.
અંગ્રેજી આપણા રોજિંદા જીવનમાં એટલી વણાઈ ગઈ છે, કે આપણને એ શબ્દ બોલીએ, તો જ ખ્યાલ આવે. શુદ્ધ ગુજરાતી બોલીએ તો કદાચ સમજી પણ ના શકીએ. જેમકે, ટેબલ ને આપણે મેજ કહીએ તો સમજ ના પડે. આવા તો ઘણા બધા શબ્દો છે જેનું અંગ્રેજી જ આપણને સમજાય, ગુજરાતી નહીં.
અંતે તો એટલું કહીશ કે બધી ભાષાને માન અપાઈ, પણ, મૂળ જ્ઞાન આપણી લોહીમાં વહેતી ભાષામાં જ અપાઈ. બાળકો અને આપણા બંને માટે સરળ રહેશે. બાળકને સ્પેલિંગની ગોખણપટ્ટી ને બદલે આરામથી વાંચી શકે એવું વાતાવરણ મળી રહે એવી શિક્ષણનીતિનો ઝડપી અમલ થાય. બાળક પર બોજ નહીં, પણ, બાળકની સર્જનશક્તિ ખીલવવાની છે, તેને વિચારશીલ બનાવવાના છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
Comments
Post a Comment