People judge our personality not by what we say but by what we do
માણસની માણસાઈ તેની મોટી-મોટી વાતોથી નહીં પણ, નાની-નાની ઘટનાઓમાં થતું વર્તન અને નાની-નાની વાતોમાં અપાતી પ્રતિક્રિયા દ્વારા નક્કી થાય છે.
મોટાભાગે આપણને સૌને સલાહ આપવી ગમે છે, પણ લેવી ગમતી નથી. બધા જ જાણે છે કે શું કરવું જોઈએ અને શું નહીં, છતાં, પોતાના વ્યક્તિગત વિકાસમાં, સંબંધોમાં જે કરવાનું છે તે નથી થતું અને જે નથી કરવાનું તે થાય છે. સૌથી મોટો અવરોધ અનુશાસન એટલે કે પોતાના પર સાચી દિશામાં શાસન કરવાનો છે.
બહારનું ભોજન સ્વાસ્થ્ય માટે સારૂ નથી તે જાણવા છતાં થોડી વારની મજા માટે વારંવાર આરોગ્ય જોખમમાં મુકીએ છીએ, રાતના ઉજાગરાથી દિવસભર બેચેની અનુભવાશે તે જાણવા છતાં પણ ડિજિટલ દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ, આપણે જાણીએ છીએ કે આળસથી આવતીકાલ ક્યારેય આવતી જ નથી, છતાં આજનું કામ આવતીકાલ પર ઠાલવતા રહીએ છીએ, અહીંનું કરેલું અહીં જ મળવાનું છે જાણવા છતાં થોડા સમયના લાભ માટે ખોટું કરતા અચકાતા નથી.
આપણે બોલતા હોય કાંઈ બીજું અને આપણું આચરણ અંદરખાનેથી હોય કાંઈ બીજું, તો એ મોટી વાતોથી દુનિયા ફક્ત થોડા સમય માટે જ પ્રભાવિત થઈ શકશે. પણ, આપણે રોજિંદા વ્યવહારમાં આપણને મળતા દરેક વ્યક્તિને તેના પદ કે હોદ્દાને ધ્યાનમાં રાખ્યા વગર તેની સાથે કેવી રીતે વર્તીએ છીએ, કેવી પ્રતિક્રિયા આપીએ છીએ તેની નોંધ તે વ્યક્તિથી લેવાય જ છે, પણ, આડકતરી રીતે બીજા ઘણા લોકોના મનમાં તમારા વ્યક્તિત્વની છાપ ઘડાતી હોય છે.
કોઈ ત્રીજા વ્યક્તિની હાજરી અને ગેરહાજરી સમયે તમારા વર્તનની તફાવતની નોંધ આડકતરી રીતે કોઈ બીજું વ્યક્તિ લેતું હોય છે. તમે જે બોલો છો એના કરતા તમે શું કરો છો એ વધારે મહત્વનું છે. કથની અને કરણીની એકરૂપતાથી અને પારદર્શી વ્યવહારથી જ માણસની માણસાઈ મપાતી હોય છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Comments
Post a Comment